Abtak Media Google News

સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડનાં મિત્રનાં રેલનગરમાં આવેલા શાંતીસદન નામનાં બિલ્ડીંગને એનઓસી આપવા માટે લાંચ માંગતા ભાંડો ફુટયો: ચેરમેને ચીફ ફાયર ઓફિસરને લાંચની રકમ લેવા રૂબરૂ બોલાવતા ખળભળાટ

સુરતમાં તક્ષશિલા બિલ્ડીંગમાં લાગેલી આગની ઘટનામાં અનેક બાળકોનાં મોત નિપજયા બાદ રાજય સરકાર દ્વારા ફાયર બ્રિગેડનાં નિયમો આકરા કરી નાખવામાં આવ્યા છે. ફાયરનાં એનઓસી માટે હાલ મહાપાલિકામાં વધુ ધસારો રહે છે. દરમિયાન શહેરનાં વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં શાંતીસદન નામના રહેણાંક બિલ્ડીંગને ફાયરનું એનઓસી આપવા માટે ફાયર બ્રિગેડ શાખાનાં અધિકારીઓ દ્વારા રુા.૩૫,૦૦૦ની માંગણી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ બિલ્ડીંગ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડનાં મિત્રનું હોય તેઓ સુધી લાંચ અંગેની ફરિયાદ પહોંચતા તેઓ ચોંકી ઉઠયા હતા અને લાંચની રકમ રૂબરૂ લેવા માટે ચીફ ફાયર ઓફિસરને પોતાની ચેમ્બરમાં બોલાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી તરફ ચીફ ઓફિસર ઠેબાએ આ ઘટનામાં પોતે સંપૂર્ણપણે અજાણ હોવાનું જણાવી બચાવની ભૂમિકામાં આવી ગયા છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરનાં રેલનગર વિસ્તારમાં ભાવેશભાઈ નામનાં આસામી દ્વારા શાંતીસદન નામની રહેણાંક હેતુનું બિલ્ડીંગ બનાવવામાં આવી રહ્યું છે. તેઓએ ફાયર એનઓસી મેળવવા માટે જે-તે સમયે કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખામાં અરજી કરી હતી. ફાઈલ ચેકિંગ દરમિયાન શાખા દ્વારા જે-જે કવેરી કાઢવામાં આવી હતી તે પણ ભાવેશભાઈએ પૂર્ણ કરી દીધી હતી. દરમિયાન તાજેતરમાં જયારે ફાયરનાં સાધનો ફીટ કરવા માટેની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે જે-તે એજન્સીનાં માણસે ભાવેશભાઈને એવું જણાવ્યું હતું કે, તમારે ફાયરનું એનઓસી જોતું હશે તો ફાયર બ્રિગેડનાં અધિકારીઓને રુા.૩૫,૦૦૦ આપવા પડશે આ વાત જાણી તેઓ ચોંકી ઉઠયા હતા. કારણકે નિયમ મુજબ તમામ ડોકયુમેન્ટ રજુ કરવામાં આવ્યા હતા અને નિયમ વિરૂઘ્ધ એક પણ વસ્તુ રાખવામાં આવી ન હતી છતાં ૩૫,૦૦૦ની લાંચ માંગવામાં આવતા તેઓએ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડને આ અંગે ફરિયાદ કરી હતી.

આજે બપોરે ઉદયભાઈ કાનગડે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ઠેબાને ટેલીફોન પર વાતચીત દરમિયાન એવું કહ્યું હતું કે, તમામ દસ્તાવેજ નિયમ મુજબ હોવા છતાં શા માટે ૩૫,૦૦૦ રૂપિયા એનઓસી આપવા માટે માંગવામાં આવ્યા છે. તમારે જો ૩૫,૦૦૦ જોઈતા હોય તો મારી ચેમ્બરમાં આવીને લઈ જાવ. કડક ભાષામાં કરવામાં આવેલી તાકીદ બાદ ચીફ ફાયર ઓફિસર જાણે બચાવની ભૂમિકામાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફાયર બ્રિગેડ શાખામાં જાણે સીઝન ખુલ્લી ગઈ હોય તેમ ટયુશન-કલાસીસ, શાળા-કોલેજો, હોટલ-રેસ્ટોરન્ટ, કોમર્શીયલ અને રેસીડેન્સ બિલ્ડીંગોને એનઓસી આપવા માટે તગડી રકમ માંગવામાં આવતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

આ ઘટનાથી હું અજાણ છું

ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ઠેબા

રેલનગર વિસ્તારમાં શાંતીસદન નામનાં રહેણાંક બિલ્ડીંગને ફાયરનું એનઓસી આપવા માટે ૩૫૦૦૦ની લાંચ માંગવામાં આવી હોવાની વાત સાચી છે તેવી પુછપરછ અબતક દ્વારા કરવામાં આવતા મહાપાલિકાનાં ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ઠેબાએ જણાવ્યું હતું કે, મને આ વાતની કોઈ જ ખબર નથી.આ કયારે બન્યું કેમ બન્યું તે વાતથી હું સંપૂર્ણપણે અજાણ છું. આજે જયારે ફાયર એનઓસી માટે બિલ્ડીંગની ફાઈલ રજુ કરવામાં આવી હતી ત્યારે મેં ફાઈલ પર સહી કરી સંબંધિત અધિકારીને એવી સુચના આપી છે કે, તાત્કાલિક અસરથી એનઓસી આપી દેવામાં આવે. એનઓસી માટે ૩૫૦૦૦ની લાંચ માંગ્યા હોવાનું મને સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેને પણ જણાવ્યું હતું ત્યારે મને સમગ્ર વાતનો ખ્યાલ આવ્યો. લાંચ કોને માંગી અને શા માટે માંગવામાં આવી તે અંગે તપાસ કરવામાં આવશે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.