Abtak Media Google News

ઘૂંટણ જો સક્ષમ ન હોય તો એમાં ઇન્જરી થવાની શક્યતા રહે છે

ઘૂંટણની સમસ્યા હોય એ વ્યક્તિએ કસરત ન કરવી એવો નિર્ણય ન લેવો, કારણ કે તેમના માટે તો એક્સરસાઇઝ વધુ મહત્વની છે. તેમણે પોતાની લિમિટમાં રહીને; પરંતુ રેગ્યુલર કસરત કરીને ધીમે-ધીમે પોતાની સ્ટ્રેંગ્થ વધારવી

મોટા ભાગે એવું બનતું હોય છે જ્યારે વ્યક્તિ ઓવરવેઇટ હોય ત્યારે તેને એક્સરસાઇઝ કરવાની સલાહ મળતી હોય છે. સમજવા જઈએ તો જે વ્યક્તિ ઓબીસ છે કે ઓવરવેઇટ છે તેમણે જીવનમાં ભાગ્યે જ એક્સરસાઇઝ કરી હોય છે અથવા કરી પણ હોય તો લાંબા ગાળાથી તે બેઠાડુ જીવન જ જીવતી હોય છે. આ પ્રકારનું જીવન જીવવાને કારણે તેના સ્નાયુઓ, સાંધા અને હાડકાં પણ નબળાં હોય છે. આવી વ્યક્તિ જ્યારે પણ એક્સરસાઇઝ શરૂ કરે ત્યારે ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે, જે ધ્યાન રાખવામાં ઘણા લોકો ગફલત કરી જાય છે અને એને કારણે ભૂલ કરી બેસે છે. એનો પહેલો માર ઘૂંટણ પર પડે છે. લોકોને એવું થાય છે કે જાડા છીએ એટલે વજન ઉતારવા એક્સરસાઇઝ કરવાનું કહેવામાં આવે છે, પરંતુ જાડા લોકો જ્યારે એક્સરસાઇઝ કરે ત્યારે તેનાં ઘૂંટણને મોટી તકલીફ થાય છે; કારણ કે ટેક્નિકલી માણસના શરીરનું વજન ઘૂંટણ પર જ આવતું હોય છે. ઘૂંટણ જો સક્ષમ ન હોય તો એમાં ઇન્જરી થવાની શક્યતા રહે છે. ફક્ત જાડા લોકો સાથે જ આ તકલીફ થાય છે એવું નથી, સામાન્ય લોકો સાથે પણ આ તકલીફ થતી હોય છે.

મહત્વનાં કારણો

એક કારણ તો આપણે જોયું કે વ્યક્તિ જ્યારે ઓવરવેઇટ કે ઓબીસ હોય ત્યારે એક્સરસાઇઝ દરમ્યાન ઘૂંટણ પર તકલીફ થાય છે. આ સિવાયનાં બીજાં કારણો જણાવતાં ડો. કહે છે, જ્યારે વ્યક્તિના સ્નાયુઓ અને સાંધાઓ સશક્ત ન હોય ત્યારે આ તકલીફ થાય છે. જેમ કે તમે ૬૦ કિલોના છો, પરંતુ તમારા સ્નાયુઓ ૪૦ કિલો જ ઉપાડી શકવાની ક્ષમતા ધરાવે છે તો તમને આ પ્રોબ્લેમ થઈ શકે છે. આ સિવાય જ્યારે વધુપડતી કે વધુ સમય એક્સરસાઇઝ કરવામાં આવે ત્યારે આ તકલીફ ઊભી થાય છે. ઘણા ઍથ્લીટ છે જે દિવસના ૩-૪ કલાક એક્સરસાઇઝ કરે છે અને કંઈ થતું નથી અને ઘણા લોકો છે જે અડધો કલાક એક્સરસાઇઝ કરે અને તો પણ તેમને ઘૂંટણની તકલીફ આવી જાય છે. પરંતુ અહીં વધુ એક્સરસાઇઝમાં વધુની વ્યાખ્યા દરેક વ્યક્તિએ જુદી છે. દરરોજ તમે વીસ મિનિટની એક્સરસાઇઝ કરતા હો અને એક દિવસ ૧ કલાક ૨૦ મિનિટ એક્સરસાઇઝમાં પસાર થઈ જાય તો તકલીફ તો થવાની જ છે. આ સિવાય ખોટી રીતે એક્સરસાઇઝ કરવાથી પણ ઘૂંટણની સમસ્યા આવી શકે છે. પોર ખોટું હોય, મશીન પર વિગતો બરાબર વાંચી ન હોય અને કંઈ ખોટું થઈ જાય, પગની પોઝિશન ખોટી હોય તો ઇન્જરી થઈ શકે છે.

એક્સરસાઇઝ વખતે ઘૂંટણને બચાવવા માટે શું ધ્યાન રાખવું જરૂરી?

ઘણા લોકો એવું માને છે કે સ્ક્વોટ્સ અને લંજિસ એવી એક્સરસાઇઝ છે જેમાં ઘૂંટણ ઉપર ખૂબ પ્રેશર આવે છે તો એનાથી એ ડેમેજ થઈ શકે છે. પરંતુ હકીકત એ છે કે આ એક્સરસાઇઝ કરતી વખતે ઘૂંટણ ત્યારે ડેમેજ થાય જ્યારે તમારા સ્નાયુઓ અત્યંત નબળા હોય. એને સશક્ત બનાવવા માટે પણ સ્ક્વોટ્સ અને લંજિસ અત્યંત ઉપયોગી એક્સરસાઇઝ છે. સાઇક્લિંગ પણ ઘણી જ ઉપયોગી એક્સરસાઇઝ છે ઘૂંટણની સ્ટ્રેંગ્થ વધારવા માટે. આ કરતી વખતે મહત્વનું એ છે કે તમારી એક્સરસાઇઝ કરવાની રીતમાં ભૂલ ન જ હોવી જોઈએ. એટલે કે પોર ખોટું ન હોવું જોઈએ. બીજું એ કે ધીમે-ધીમે એની માત્રા વધારવી. આજે મારી કેપેસિટી છે કે હું પાંચ રેપિટિશન જ કરી શકું છું તો એ પાંચ રેપિટિશન ઓછામાં ઓછું એક અઠવાડિયું કરવાં. પછી ધીમે-ધીમે કાઉન્ટ વધારવા. વધુ કરવાની જલદી ન કરો. કેપેસિટી ડેવલપ કરો અને પછી જ એક્સરસાઇઝ કરો. અને સમજો કે રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી જ કેપેસિટી વધે છે. ખોટી ઉતાવળ ન કરો.

આ સિવાય જો જિમ જોઇન કરો તો ધ્યાન રાખો કે ટ્રેઇનર્સ વગર કોઈ હેવી એક્સરસાઇઝ ન કરો. આમ તો કોઈ પણ એક્સરસાઇઝ ટ્રેઇનર વગર ન જ કરો તો યોગ્ય રહેશે. કઈ એક્સરસાઇઝ કઈ રીતે કરવી એ ટ્રેઇનર સમજાવે છે, કેટલી કરવી એ પણ તે વધુ સારી રીતે જાણે છે. આ ઉપરાંત જિમ હજી શરૂ જ કર્યું હોય ત્યારે વેઇટ ઉપાડવાની ઉતાવળ ન કરો. પહેલાં તમારા શરીરનું વજન વ્યવસ્થિત ઉપાડતાં શીખો, પછી એક્સ્ટ્રા વેઇટ ઉપાડો.

એક મશીન છે, જેને મોટા ભાગે ક્રોસ ટ્રેઇનર તરીકે ઓળખવામાં આવે છે. એને એલિપ્ટિકલ્સ પણ કહે છે. આ મશીન થોડું રિસ્કી છે. ક્યારેક એમાં ઘૂંટણનું ટ્વિસ્ટિંગ થઈ જવાની શક્યતા રહે છે. જેમને ઘૂંટણનો પહેલેથી પ્રોબ્લેમ હોય એવી વ્યક્તિઓએ આ મશીન ન વાપરવું.

ઘણા લોકો ફક્ત ટ્રેડમિલ પર ચાલતા હોય ત્યારે તેમને ઘૂંટણની તકલીફ આવી પડે છે. આનું કારણ ટ્રેડમિલ નહીં, પરંતુ તમારાં ઘૂંટણ છે; જે સશક્ત નથી. જે વ્યક્તિએ ક્યારેય એક્સરસાઇઝ કરી નથી એ વ્યક્તિને આ તકલીફ થાય છે, જેમાં ઘૂંટણ દુખવા લાગે છે. ફક્ત વોકિંગ કરવાથી પણ ઘૂંટણ દુ:ખી શકે છે. આવી વ્યક્તિએ ઘાસમાં ચાલવું, બીચ પર ચાલવું. ધીમે-ધીમે ચાલવાનું વધારવું. સીધા ટ્રેડમિલ પર જશો તો તકલીફ થશે જ. દોડવામાં પણ ઘૂંટણ ઘણાં ઘસાય છે. નિયમ બધે સરખો છે. એક્સરસાઇઝ કરવી ફરજિયાત છે, પરંતુ એની માત્રા ધીમે-ધીમે વધારો. ઓછું કરો, પણ નિયમિત કરો એ વધુ જરૂરી છે. કાચબાની ગતિએ ભાગશો તો જીતી જશો નહીંતર ઇન્જરી આવશે.  જો તમારાં શૂઝ વ્યવસ્થિત ન હોય તો પણ આ તકલીફ આવી શકે છે. એક્સરસાઇઝ માટે શૂઝ સારાં પહેરવાં જરૂરી છે. જો ઘૂંટણમાં થોડો પણ દુખાવો હોય તો એક્સરસાઇઝ ન જ કરો. થોડો સમય આપો. જો દુખાવો વધુ હોય તો તરત જ નિષ્ણાતની મદદ લો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.